એશિયાડ ઑલિમ્પિક્સમાં ગુજરાતીઓ કેમ ઝળકતા નથી, ક્યાંક તો અભાવ છે

અંકિતા રૈના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંકિતા રૈના
    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઇન્ડોનેશિયામાં હાલમાં એશિયન ગેમ્સનું આયોજન થયેલું છે અને તેમાં ટેનિસની ઇવેન્ટમાં વિમેન્સ સિંગલ્સમાં અંકિતા રૈનાએ ભારતને બ્રૉંઝ મેડલ અપાવ્યો.

લિએન્ડર પેસે છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચીને એ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો કે તેના વિના કોઈ મેડલ જીતી શકે તેમ નથી. પેસે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે કોઈ યોગ્ય જોડીદાર નહીં હોવાને કારણે તે આ વખતે જાકાર્તા નહીં જાય.

આમ તેમણે છેલ્લી ઘડીએ સામાન્ય ભાષામાં કહીએ તો ભારતને રખડાવી દીધું, પરંતુ તેની પ્રિય અને જેમાં તેની ઇજારાશાહી છે તેવી ડબલ્સની ઇવેન્ટમાં જ રોહન બોપન્ના અને દિવિજ શરણે ભારતને ગોલ્ડ મેડલ અપાવીને પેસને ખોટા પુરવાર કરી દીધા.

વર્ષોથી દેશનું પ્રતિનિધિત્વ કરીને ભારતને સંખ્યાબંધ સફળતા અપાવનારા લિએન્ડર પેસે તેની કારકિર્દીની અંતિમ પળોમાં તમામ સફળતા ધૂળધાણી કરી નાખી. જોકે વાત કરવી છે કે અંકિતા રૈનાની.

અંકિતાએ વિમેન્સ સિંગલ્સમાં બ્રૉંઝ મેડલ જીત્યો ત્યારે ગુજરાતીઓમાં એક ચર્ચા ચાલતી હતી કે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી શું તે પ્રથમ ગુજરાતી છે?

પ્રશ્ન સાવ અસ્થાને નથી, પરંતુ અત્યંત મહત્ત્વનો પણ છે તેનો જવાબ માત્ર 'હા' કે 'ના'માં ન હોય, તે ઘણા જવાબો માગી લે છે.

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હાર્દિક પંડ્યા

એશિયન ગેમ્સ એટલે ઑલિમ્પિક્સ પછીની સૌથી કપરી અને લોકપ્રિય રમત છે અને તેમાં મેડલ જીતવો ગૌરવપ્રદ બાબત છે. તો અંકિતા અગાઉ કોઈ ગુજરાતીએ એશિયાડમાં મેડલ જીત્યો નહીં હોય અથવા તો દરેકના હોઠ પર રમતું નામ તો નહીં જ હોય.

આ જ તો વાસ્તવિકતા છે. આજે ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલા છે. અત્ર, તત્ર, સર્વત્ર ગુજરાતીઓ છે.

અમેરિકા હોય કે યુરોપ કે પછી દુનિયાનો કોઈ નાનકડો દેશ હોય, તમને ગુજરાતી તો મળી જ રહેશે. ક્રિકેટમાં પણ હવે ભારતીય ટીમમાં એકાદ બે ગુજરાતીની સતત હાજરી હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌરાષ્ટ્રમાંથી ચેતેશ્વર પૂજારા હોય કે રવીન્દ્ર જાડેજા હોય, ગુજરાતમાંથી પાર્થિવ પટેલ, જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ હોય, વડોદરામાંથી (ક્રિકેટમાં બરોડા) ઇરફાન અને યુસુફ બાદ હવે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આવી ગયા છે.

આ તમામ નામો નિયમિત રીતે ભારતીય ક્રિકેટમાં સંભળાતા રહે છે અને તેઓ સતત ક્રિકેટ રમતા રહે છે, પણ એ સિવાયની રમતોનું શું?

ઇરફાન પઠાણ

ઇમેજ સ્રોત, Getty Images

ગીત સેઠી કે રૂપેશ શાહે બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં નામના મેળવી, લજ્જા ગોસ્વામી અને વાલ્વરિન શૂટિંગમાં સચોટ નિશાન તાકી રહી છે અને અંકિતા રૈના ટેનિસમાં નંબર વન છે.

નવાઈ લાગશે પરંતુ સાનિયા મિર્ઝાએ સિંગલ્સમાં રમવાનું બંધ કરીને માત્ર ડબલ્સ પર જ ફોકસ કર્યું, ત્યાર બાદ અંકિતા રૈના ભારતની નંબર વન સિંગલ્સ ખેલાડી છે.

ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી બાબત છે કે અંકિતા અમદાવાદની છે, તે અમદાવાદમાં ઉછરેલી જ છે અને તેમની કાયમી ટ્રેનિંગ પૂણેમાં ચાલે છે. તેનું શું કારણ?

ગુજરાતમાં તેમને તાલીમ મળી રહે તેવા માળખાનો અભાવ છે. તેને પર્યાપ્ત પ્રોત્સાહન મળતું નથી.

ઉપરોક્ત નામો સિવાય દાયકાઓ સુધી નજર દોડાવો તો એકાદ બે ગણ્યાંગાંઠ્યાં ખેલાડીઓને બાદ કરતાં ગુજરાતે ક્રિકેટ સિવાય નેશનલ લેવલે પણ કોઈ સારો ખેલાડી આપ્યો નથી, ઇન્ટરનેશનલ લેવલની વાત પછી કરીએ.

એશિયન ગેમ્સમાં ભારત સાત દાયકાથી રમી રહ્યું છે, પણ તેમાં ગુજરાતીઓનું યોગદાન આંગળીને વેઢે ગણી શકાય તેટલું પણ રહ્યું નથી.

અંકિતા રૈનાએ આ વખતે જાકાર્તામાં સફળતા મેળવી, તે અગાઉ રૂપેશ શાહ કે ગીત સેઠી, લજ્જા ગોસ્વામી સફળ રહ્યા, પણ તેઓ એશિયાડમાં તો મેડલ લાવી શક્યા ન હતા.

20 કિલોમિટર વોકિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બાબુભાઈ પનોચા નામનો એક ખેલાડી રમ્યો હતો.

અંકિતા રૈના

ઇમેજ સ્રોત, Getty Images

મૂળ સાબરકાંઠાનો આ ખેલાડી અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો હતો. હજી આ વાતને દાયકાઓ થયા નથી, પરંતુ માંડ સાત કે આઠ વર્ષ થયા છે.

આજે બાબુ પનોચા ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની પણ કોઈને ખબર નથી.

ગુજરાતમાં ક્યાંક, કોઇક ચીજનો અભાવ છે જે ચૅમ્પિયન ખેલાડી પેદા કરી શકતું નથી. પેદા કરે છે તો તેનો સારી રીતે ઉછેર થતો નથી.

સવાલો ઘણા છે પરંતુ જવાબ ક્યાંય, કોઈની પાસે નથી. આર્થિક અને સામાજિક સ્તરે કે રાજકીય સ્તરે ગુજરાત આગળ આવે તે માટે તો ઘણા પ્રયાસો થાય છે. પરંતુ રમતગમત માટે આવા પ્રયાસો થતા નથી.

માત્ર ખેલ મહાકુંભનું આયોજન કરીને કે આ પ્રકારની શાળાકિય કે કોઈ જિલ્લા સ્તરની રમતો યોજીને જ મહાન ખેલાડીઓ બનાવી શકાતા નથી. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ કમી નથી. માગો તેવી સવલત મળી રહે છે એવા દાવા થાય છે પરંતુ સવલત આપે કોણ.

ક્રિકેટ સિવાયની અન્ય રમતો માટે માળખાગત સવલતોનો સદંતર અભાવ છે. ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (સાઈ)નું સંકુલ છે, પણ ત્યાં અદ્યતન કહી શકાય અને રમતવીરને જરૂરી એવી આધુનિક સવલતોનો અભાવ છે.

ગુજરાતમાં ટેબલ ટેનિસમાં ધીમેધીમે ખેલાડીઓ આગળ વધી રહ્યા છે.

તાજેતરમાં ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં હરમિત દેસાઈ રમ્યા હતા અને દેશ માટે મેડલ જીત્યા હતા, માનવ ઠક્કર અને માનુષ શાહ જુનિયર લેવલે વિશ્વભરમાં સારો દેખાવ કરી રહ્યા છે, પરંતુ તે માટે જે તે ઍસોસિયેશન પ્રયાસ કરે છે.

પીટી ઉષા અને ધનરાજ પિલ્લાઈને વડોદરામાં ખેલાડીઓને તાલીમ મળી રહે તે માટે કરારબદ્ધ કરાયા છે.

અંકિતા રૈના

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ તેઓ કેટલા સમય માટે વડોદરામાં હાજર રહે છે તે તપાસનો વિષય છે અને સત્તાવાળાઓએ તેમને કરારબદ્ધ કર્યા બાદ પરિણામ શું આવ્યું તે અંગે ક્યારેય પૂછપરછ કરી હોય તેવું લાગતું નથી.

જે રીતે ગોપીચંદે તેની પોતાની એકૅડેમીમાં (પ્રાઇવેટ કોચિંગ) ટ્રેનિંગ આપીને સાઇના કે સિંધૂને તૈયાર કર્યા અને સફળ ઇન્ટરનેશનલ ખેલાડી બનાવ્યા તેવી રીતે ઉષા કે ધનરાજ પિલ્લાઈએ એકેય ગુજરાતી ખેલાડી તૈયાર કર્યો હોવાના દાખલા નથી.

એ જ પીટી ઉષાએ કેરળમાંથી સંખ્યાબંધ ખેલાડીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડ્યા છે, તો એકેય ગુજરાતીને કેમ નહીં.

આમ માળખાગત સુવિધાઓ નહીં અપાય અને અંગત રસ લઈને જવાબ માગવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતી ખેલાડીઓ આગળ આવવાના નથી.

જે ખેલાડી આગળ આવે છે તે સ્વબળે આવે છે અને તે સફળ રહે ત્યાર બાદ તેને તમામ સવલતો અપાય છે, પુરસ્કારો અપાય છે, વિવિધ યોજનાઓ થકી સ્કૉલરશિપ અપાય છે.

પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેણે જાતે જ મહેનત કરવી પડે છે અને તેમ છતાં પરિણામ તો આવતું જ નથી.

(તુષાર ત્રિવેદી 'નવગુજરાત સમય'ના સ્પોર્ટ્સ એડિટર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો