2012 Delhi gang rape: નિર્ભયાકાંડમાં ફાંસીએ યાદ કરાવ્યો ગુજરાતની દીકરીનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બી. બી. સી. ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શુક્રવારે 2012ના નિર્ભયા ગૅંગરેપ કેસના ચાર ગુનેગારોને એકસાથે ફાંસી આપી દેવામાં આવી હતી. પીડિતના પરિવાર સહિત અનેક લોકો માટે તે આનંદની ક્ષણ હતી. કેટલાક સ્થળોએ મીઠાઈ વિતરણ કરીને તેની 'ઉજવણી' કરવામાં આવી હતી.
નિર્ભયાના છમાંથી એક ગુનેગાર ઘટના સમયે સગીર હતો, પરંતુ તેણે જ સૌધી વધુ ક્રૂરતા આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આમ છતાં સગીર હોવાને કારણે તે ફાંસીની સજાથી બચી શક્યો હતો. તે ત્રણ વર્ષ બાદ છૂટી ગયો હતો.
આ સિવાય એકે ખટલા દરમિયાન જ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, ગુજરાતના સુરત, જમ્મુ અને કાશ્મીરના કઠુઆ; જ્યારે-જ્યારે દુષ્કર્મની જઘન્ય ઘટનાઓ બહાર આવી છે, ત્યારે દેશભરમાંથી માગ થઈ છે.
દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાએ કોલકતાના ધનંજય ચેટર્જીની ફાંસીનું પ્રકરણ તાજું કરી દીધું છે, જેમાં ગુજરાત મૂળની સગીરા સાથે દુષ્કર્મ કરીને તેની હત્યાના ગુનામાં ધનંજયને ફાંસીની સજા આપવામાં આવી હતી.
નિર્ભયા કેસના 15 પહેલાં દુષ્કર્મના કેસમાં ગુનેગારને ફાંસી થઈ હતી.
મૂળ ગુજરાતીનો કેસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માર્ચ-1990માં કોલકતામાં (એ સમયનું કલકત્તા) રહેતા મૂળ ગુજરાતી પરિવારની સગીર દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાસ્થળે મળી આવેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થયું હતું કે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવાઈ હતી.
કોલકતા પોલીસે પ્રારંભિક તપાસમાં ધનંજય ચેટર્જી પર ધ્યાન કેંદ્રીય કર્યું હતું. ધનંજય એપાર્ટમેન્ટનો સિક્યુરિટી ગાર્ડ હતો અને સગીરાની હત્યા બાદથી જ તે ગુમ થઈ ગયો હતો.
મે-1990માં ધનંજયને તેના પૈત્તૃક ગામેથી ઝડપી લેવાયો હતો. તેની સામે પોલીસે દુષ્કર્મ, હત્યા તથા લૂંટની ચાર્જશિટ દાખલ કરી હતી.
સેશન્સ કોર્ટમાં ધનંજયને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. હાઈ કોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ હત્યાકાંડને 'રેરેસ્ટ ઑફ રેર' ગણીને ધનંજયની ફાંસીની સજાને યથાવત રાખી હતી.

14 વર્ષ સુધી અટકી ધનંજયની ફાંસી

ઇમેજ સ્રોત, Getty Images
ધનંજય ચેટર્જીના વકીલઓએ દલીલ આપી હતી કે હત્યાકાંડમાં ધનંજય ચેટર્જીની સંડોવણી અંગે કોઈ પ્રત્યક્ષદર્શી ન હતા.
માત્ર સાંયોગિક પુરાવાઓના આધારે ધનંજયને ગુનેગાર ઠેરવાયો છે. તેનું ડીએનએ પરીક્ષણ પણ નહોતું થયું.
તત્કાલીન રાષ્ટ્રપતિ એ. પી. જે . અબ્દુલ કલામે ધનંજયની દયા અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ તેની ફાંસીની સજા શક્ય બની હતી.
જલ્લાદ નાટા મલિકે કહ્યું હતું, "તે (ધનંજય) રાક્ષસ છે. તેને ફાંસી ન આપવી જોઈએ. તેને તો વાઘોનાં પાંજરામાં નાંખી દેવો જોઈએ."

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે કેટલાક માનવાધિકાર કાર્યકર્તાઓએ ધનંજયને ફાંસીની સજાનો વિરોધ કર્યો હતો.
એ સમયે જલ્લાદ નાટા મલિકે કહ્યું હતું, "બીજા માટે ઉપદેશ આપવા સહેલા છે. જો તમારી દીકરી સાથે દુષ્કર્મ થયું હોત તો તેને પણ માફી આપી હોત?"
14 ઓગસ્ટ 2004ના દિવસે જલ્લાદ નાટા મલિક દ્વારા ધનંજયને ફાંસી આપવામાં આવી હતી. આ કામમાં તેમના પૌત્ર પ્રભાતે પણ મદદ કરી હતી.
પરિવારે તેનો મૃતદેહ ન સ્વીકારતા સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી પોલીસે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
જે દિવસે ધનંજયને ફાંસી આપવામાં આવી એ દિવસે તેનો જન્મદિવસ હતો.
નિર્ભયાએ સંવેદના જગાડી

ઇમેજ સ્રોત, Getty Images
16 ડિસેમ્બર 2012ના છ શખ્સોએ પેરામેડિકની વિદ્યાર્થિની નિર્ભયા (બદલેલું નામ) સાથે છ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
તા. 29 ડિસેમ્બરે પીડિતાનું સિંગાપોરની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
લાંબી કાયદાકીય લડાઈ બાદ નિર્ભયા દુષ્કર્મકાંડના ગુનેગારો મુકેશસિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષયકુમારસિંહની સામે ચાર્જશિટ દાખલ કરી હતી.
રામસિંહ નામના આરોપીએ ટ્રાયલ દરમિયાન જ તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
સપ્ટેમ્બર 2013માં ફાસ્ટ ટ્રેક કોર્ટે ચારેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.
માર્ચ 2014માં દિલ્હી હાઈ કોર્ટે તથા મે-2017માં સુપ્રીમ કોર્ટે ચારેય ગુનેગારોની ફાંસીની સજાને યથાવત્ રાખી હતી.
અન્ય એક આરોપી સગીર (17 વર્ષ અને છ માસ)નો હોવાને કારણે જુવેનાલ જસ્ટિસ બોર્ડે તેને મહત્તમ ત્રણ વર્ષની સજા ફટકારી હતી, જે પૂર્ણ કરીને તે છૂટી ગયો છે.
નિર્ભયા પ્રકરણ અને કાયદાકીય સુધાર

ઇમેજ સ્રોત, Getty Images
આ ગાળા દરમિયાન દિલ્હી સહિત દેશભરમાં લોકોએ રસ્તા ઉપર ઉતરી આવીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મીડિયામાં પણ આ બાબતની ભારે ચર્ચા થઈ હતી.
તત્કાલીન ડૉ. મનમોહનસિંહ સરકારે મહિલાઓ પ્રત્યેના ગુનાઓમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવા જસ્ટિસ વર્મા પંચ નિમ્યું હતું. આ પંચે 29 દિવસમાં તેનો અહેવાલ સુપ્રત કર્યો હતો.
એ સમયે પણ વટહુકમ દ્વારા આઈપીસી, સીઆરપીસી તથા ઇવિડન્સ ઍક્ટમાં તાત્કિલક અસરથી ફેરફાર કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બર-2015માં જઘન્ય અપરાધોમાં 16 વર્ષથી વધુ ઉંમરના ગુનેગારોને 'પુખ્ત' ગણતો કાયદો રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો.
ભારતમાં રેપ અને ફાંસી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અનેક ફોજદારી કાયદાઓ હેઠળ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા 'રેરેસ્ટ ઑફ રેર' ગુનાઓમાં જ ફાંસીની સજા આપવામાં આવી છે. મોટાભાગે ફાંસીની સજાને જનમટીપમાં બદલી નાખવામાં આવતી હોય છે.
ત્યારબાદ પણ ગુનેગાર પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાનો વિકલ્પ હોય છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ તથા હરિયાણામાં 12 વર્ષથી નાની બાળકીની સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની જોગવાઈ કરતા વિશેષ કાયદા છે.
એપ્રિલ-2018માં કેન્દ્ર સરકારે પણ 12 વર્ષથી નાની બાળકી ઉપર દુષ્કર્મના કેસના આરોપીને ફાંસીની સજા આપતો વટહુકમ કાઢ્યો હતો, જે બાદમાં કાયદો બન્યો.

ઇમેજ સ્રોત, Getty Images
ગત સપ્તાહે 'The Death Sentences and Executions 2017' બહાર પાડતી વખતે ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલે નોંધ્યું હતું કે નવા કાયદાઓ લાગુ કરીને ભારતે ફાંસીની સજાનો વ્યાપ વધાર્યો છે.
ભારતમાં ઍન્ટિ-હાઇજેકિંગ એક્ટ, 2016માં ગુનેગારને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
સેન્ટર ઑન ધ ડેથ પેનલ્ટી તથા નેશનલ લૉ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે, "વર્ષ 2017 દરમિયાન 109 ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી."
ભારતમાં છેલ્લે જુલાઈ-2015માં યાકૂબ મેમણને નાગપુરની મધ્યસ્થ જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. તે 1993ના મુંબઈ બૉમ્બ ધડાકાઓમાં દોષિત ઠર્યો હતો.
દિલ્હીની તિહાર જેલમાં છેલ્લે ફેબ્રુઆરી-2013માં સંસદ ઉપર હુમલાના ગુનેગાર અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.
આ સિવાય નવેમ્બર-2012માં પાકિસ્તાની મૂળના ઉગ્રપંથી અજમલ કસાબને પુનાની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













