અમેરિકા: 160 મહિલા ખેલાડીઓનું શોષણ કરનાર ડૉક્ટરને 175 વર્ષની જેલ

ઇમેજ સ્રોત, Getty Images
160 પીડિતાઓ, 175 વર્ષની જેલ: અમેરિકાની ઓલિમ્પિક ટીમના પૂર્વ ડૉક્ટર લેરી નસ્સારને સજા
અમેરિકાની ઓલિમ્પિક જિમ્નાસ્ટિક્સ ટીમના પૂર્વ ડૉક્ટર લેરી નસ્સારને જાતિય શોષણના મામલાઓમાં 175 વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
160 પીડિતાઓની જુબાની બાદ તેમને આ સજા સંભળાવવામાં આવી હતી.

મોતના વોરંટ પર હસ્તાક્ષર

ઇમેજ સ્રોત, Getty Images
નસ્સારે માફી માગવાની કોશિશ કરી હતી પરંતુ જજે માફીને માન્ય ન રાખતા એવું કહ્યું કે નસ્સારે પોતાની બાકી રહેલી જિંદગી અંધારામાં વિતાવવી પડશે.
નસ્સારને અનેક યુવતીઓનાં જાતિય શોષણમાં દોષી જાહેર કરવામાં આવ્યો, જેમાં કેટલીક ઓલિમ્પિક ખેલાડીઓ પણ સામેલ છે.
54 વર્ષના નસ્સારને પહેલાથી જ ચાઇલ્ડ પૉર્ન રાખવાના મામલામાં 60 વર્ષની જેલની સજા થઈ ચૂકી છે.
જજ રોજમેરી અરીલીનાએ સજા સંભળવાતા નસ્સાર માટે ખૂબ જ કડક શબ્દો વાપર્યા હતા.
તેમણે નસ્સારને સંબોધિત કરતા કહ્યું, "યાતનામાંથી પસાર થયેલી મહિલાઓની વાતો સાંભળવી મારા માટે સન્માનની વાત છે. એટલા જ સન્માનની વાત તમને સજા સંભળાવવાની છે. કેમ કે સર, તમે જેલની દિવાલોની બહાર આવવા માટે લાયક જ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "મેં હમણાં જ તમારા મોતનાં વૉરંટ પર હસ્તાક્ષર કરી દીધા છે."

નસ્સારની માફી માગી

ઇમેજ સ્રોત, Getty Images
પીડિતાઓ એક સપ્તાહથી કોર્ટમાં જુબાની આપી રહી હતી. અંતે નસ્સારને પણ પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવી હતી.
નસ્સારે કહ્યું, "એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી કે જે થયું તે અંગે મને કેટલો અફસોસ થાય છે."
ચાર વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલી સિમોન બાઇલ્સે પણ તાજેતરમાં જ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે લેરી નસ્સારે તેમનું પણ જાતિય શોષણ કર્યું હતું.
વીસ વર્ષની સિમોન બાઇલ્સે કહ્યું, "હું જાણું છું કે આ ભયાનક અનુભવ મારા વ્યક્તિત્વને પરિભાષિત નથી કરતો, મારામાં તેનાથી પણ ઘણી વધારે તાકાત છે."

ઇલાજના બહાને જાતિય શોષણ

ઇમેજ સ્રોત, Getty Images
મિશિગનના બીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથનના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહથી ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહિલાઓની કહાણીઓમાં આશ્ચર્યજનક સમાનતાઓ હતી.
નસ્સાર આ મહિલાઓને ઇલાજ માટે બોલાવતો હતો પરંતુ તેમનું દર્દ દૂર કરવાને બદલે તે તેમની નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવતો.
તેમાંથી કેટલીક તો એટલી નાની હતી કે લાંબા સમય સુધી તેમને ખબર જ ના પડી કે તેમનું જાતિય શોષણ થયું છે.
આ સમયે નસ્સાર માત્ર થોડા મીટર દૂર જ બેઠો હતો. પીડિતાઓ આવતી ગઈ અને નસ્સારની આંખોમાં જોઈને તેના કૃત્યને યાદ કરાવતી ગઈ.
રજનીના કહેવા મુજબ, "આ સુનાવણીની આ અસાધારણ વાત હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













