શું પાકિસ્તાન અહેમદ પટેલને ગુજરાતના CM બનાવવા માગે છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRAMODI
પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સમાપ્ત થયેલી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પ્રક્રિયાના બીજા દિવસે જનમેદની અને સભાનું સંબોધન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે શું પાકિસ્તાન તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માગે છે?
રાજ્યમાં સતત પ્રચાર સભાઓ કરી રહેલા વડાપ્રધાનનો અવાજ બેસી ગયો હતો.
પાલનપુર ખાતે જનમેદનીને સંબોધી રહેલા મોદીએ તેમના વક્તવ્યમાં બે વખત કહ્યું, "આજે તો મારો અવાજ બેસી ગયો છે."
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર મોદીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે પાકિસ્તાની સૈન્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સરદાર અર્શદ રફિક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદે જોવા માંગે છે.
મોદીએ મણિશંકર ઐયરના તેમને 'નીચ'ના સંબોધનનો ઉલ્લેખ કરતા મોદીએ કોંગ્રેસ અને પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
મોદીએ આક્ષેપ કર્યા કે પાકિસ્તાનના એક અધિકારી એવા રાજદ્વારી, ભૂતપૂર્વ ઉપ રાષ્ટ્રપતિ, અને ભૂતપૂર્વ વડાપ્રધાનની દિલ્હીમાં મણિશંકર ઐયરના બંગલે એક મિટિંગ થઈ હતી.
તેમણે કહ્યું “એક બાજુ પાકિસ્તાનના સૈન્યના ભૂતપૂર્વ ડીજી ગુજરાતની ચૂંટણીમાં દખલ કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનનાં લોકો મણિશંકર ઐયરનાં ઘરે મિટિંગ કરે છે. એના બીજા જ દિવસે કોંગ્રેસી નેતાએ ગુજરાતની, ગુજરાતનાં ગરીબોની અને મોદીનું અપમાન કરે છે. શું તમને નથી લાગતું કે એ લોકો પર શંકા કરવી જોઈએ?”
એ લોકોએ ગુજરાતની ચૂંટણીમાં શું રણનીતિ અપનાવી જોઈએ એ વિષે ચર્ચાઓ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોંગ્રેસને જવાબ

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRAMODI
મોદીએ કોંગ્રેસના તેમની સરકાર પર ઉદ્યોગપતિઓની સરકાર હોવાના પ્રહારોનો જવાબ આપ્યો.
તેમણે કહ્યું કે એ લોકોએ કોને કોને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રીના ખિતાબોથી સન્માનિત કર્યા છે, અને અમે કયા લોકોને આ ખિતાબોથી સન્માનિત કર્યા છે, એની એક સૂચિ તૈયાર કરાવો એટલે આપોઆપ ખબર પડી જશે કે નાણાંવાળાની તરફદારી કોણ કરી રહ્યું છે અને ગરીબોની તરફદારી કોણ કરી રહ્યું છે.
મોદીએ કહ્યું, “અમારી સરકારે ગેનાભાઇ જેવા ખેડૂતને આવા ખિતાબોથી સન્માનિત કર્યા છે નહીં કે કોઈ ઉદ્યોગપતિ કે સાહુકારને.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગેનાભાઇ દર્ગાભાઈ પટેલ બનાસકાંઠા સ્થિત સરકારી ગોલિયા ગામના એક દિવ્યાંગ ખેડૂત છે.
ગેનાભાઇએ તે વિસ્તારમાં દાડમની ખેતી કરીને આખા વિસ્તારમાં એક પ્રકારે કૃષિક્રાંતિ સર્જી છે.

જાન્યુઆરી 2017માં સરકારે ગેનાભાઇને પદ્મશ્રીના ખિતાબથી સન્માનિત કર્યા છે.
સાથે સાથે મોદીએ રાહુલ ગાંધીના મશીનમાંથી બટાકા નીકળવાના વિધાન પર પણ હળવી શૈલીમાં પ્રહાર કરતા કહ્યું હતું કે તેમને અહીં બોલાવો અને કહો કે બટાકા ખેતરમાં ઊગે અને કેટલો પરસેવો પાડવો પડે છે ખેડૂતોએ બટેટા ઊગાડવા માટે.
પાલનપુરના આગામી દિવસોમાં થનારા વિકાસ મુદ્દે મોદીએ કહ્યું કે દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર માટેનું મુખ્ય મથક પાલનપુર બનશે.
ફ્રેટ કોરિડોર પરથી જંગી માત્રામાં પસાર થનારો માલ-સામાન પાલનપુરથી કંડલા બંદરે મોકલવામાં આવશે એટલે આ રીતે આ આખા વિસ્તારમાં રોજગારીની તકો અને આર્થિક વિકાસની તકો ઉભી થશે.

ઇમેજ સ્રોત, FACEBOOK/RAHULGANDHI
તો સામા પક્ષે ડાકોરમાં મતદારોની જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રોજગારી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની (જીએસટીની) વિશે પ્રહાર કર્યા હતાં.
તેમણે જીએસટીની ઝડપી અમલવારીને કારણે દેશને થયેલા આર્થિક નુકસાન, ગુજરાતમાં બેરોજગારી વિશે આક્ષેપ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, હાલની કેન્દ્રમાં મોદીની આગેવાની હેઠળ કાર્યરત નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર હોવાના આક્ષેપો કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














