ગુજરાતમાં ભાજપના મૂળિયાં આટલા મજબૂત કેવી રીતે થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
વાત 1991ની છે. જ્યારે ગુજરાતમાં ભાજપ પોતાના અસ્તિત્વની શોધમાં હતું. ગુજરાતમાં તે સમયે જનતા દળ અને ભાજપની સંયુક્ત સરકાર હતી.
દેશના પ્રખ્યાત સમાજ વિજ્ઞાની આશિષ નંદી મોદીનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા. તેમની સાથે ગુજરાતના પ્રસિદ્ધ રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક અને શિખા ત્રિવેદી હતાં.
અચ્યુત યાજ્ઞિકને મેં પૂછ્યું કે તે ઇન્ટરવ્યૂ કેવી રીતે થયો હતો.
તેમણે કહ્યું, "તે સમયે મોદીની કોઈ જાહેર ઓળખ ન હતી. તેઓ ઇન્ટરવ્યૂમાં મુસ્લિમોની વિરૂદ્ધ બોલી રહ્યા હતા. અમે ઇન્ટરવ્યૂ બાદ કારમાં એક સાથે આવી રહ્યા હતા."
"આશિષ નંદીએ અચાનક કાર રોકી દીધી અને ગુસ્સામાં કહ્યું- હું હાલ એક ટેક્સ્ટબુક ફાસિસ્ટ સાથે વાત કરીને આવ્યો છું."
અચ્યુત યાજ્ઞિકે જણાવ્યું કે જ્યારે આશિષે આ વાત કહી તો તેમણે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી.
યાજ્ઞિક એ વાતનો પણ સ્વીકાર કરે છે કે તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન એવી કોઈ વાત પણ સામે આવી ન હતી.
યાજ્ઞિક જણાવે છે કે આશિષ મનોવિજ્ઞાન પણ સારી રીતે સમજે છે, જેથી તેઓ વધારે દૂરદર્શી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતમાં મોદી યુગ

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીના રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયાં આટલાં મજબૂત કેવી રીતે થયાં ?
સ્પષ્ટ છે કે આ મૂળિયાંને મજબૂત કરવામાં મોદીએ ગુજરાતને સૌથી વધારે સમય આપ્યો છે.
મોદી ઑક્ટોબર 2001થી બાવીસ મે 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
મોદીએ પોતાના નેતૃત્વમાં પ્રદેશની ત્રણ વિધાનસભા ચૂંટણી બહુમતી સાથે જીતી હતી.
ભાજપના ગુજરાતમાં બાવીસ વર્ષોંના શાસનમાં અડધો શાસનકાળ મોદીના નામે છે.
જો મોદીના શાસનકાળને ગુજરાતમાંથી કાઢી નાખવામાં આવે તો આ સવાલનો કોઈ મતલબ નહીં રહે કે ગુજરાતમાં ભાજપનાં મૂળિયાં આટલાં મજબૂત કેવી રીતે થયાં?
મોદીને કારણે જ ભાજપે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની દરેક 26 સીટ પર જીત મેળવી હતી.
સુરેશ મહેતાને ભાજપે ઑક્ટોબર 1995માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેઓ સપ્ટેમ્બર 1996 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.
મેં તેમને પૂછ્યું કે ગુજરાતમાં મોદી યુગ ભારતીય જનતા પાર્ટીના શાસનનો ઓછામાં ઓછા 70 ટકા છે. તેને તેઓ કેવી રીતે જુએ છે?
તેમણે કહ્યું, "આખો શાસનકાળ નિરંકુશ રહ્યો છે. મોદીના જે તેવર છે, તે હિટલરશાહીની જેમ છે. પ્રચારતંત્રની જાળ, ગમે તે કિંમત પર સત્તા અને દરેક વિભાગનું ખોટી રીતે સંચાલન જ મોદી યુગ છે."

'ડર, ડર અને માત્ર ડરના પડછાયા હેઠળ જીવવું પડશે'

ઇમેજ સ્રોત, Getty Images
મોદી યુગમાં ભાજપ ક્યાં જશે? તો મહેતા કહે છે, "મને તો ડર છે કે એક હત્થુ શાસન આવી જશે અને દરેક વ્યક્તિ ડર, ડર અને માત્ર ડરના પડછાયા હેઠળ જીવશે."
મહેતા કહે છે કે આ વખતે ચૂંટણીમાં લોકોની નારાજગી તો છે, પણ તે કઈ હદ સુધી જશે તેને હજુ જોવાની બાકી છે.
મહેતાને લાગે છે કે ભાજપ આ વખતે પણ ચૂંટણી જીતી જશે તો મોદીનું કદ જેવું પહેલા હતું તેવું જ થઈ જશે.
મહેતાનું કહેવું છે કે મોદી હવે બચાવની મુદ્રામાં આવશે.
તેમણે કહ્યું કે ભાજપની અંદરથી અવાજ ડરના કારણે નથી આવતો. મહેતાએ કહ્યું કે તેમણે ડરના પડછાયામાંથી બહાર નીકળવા માટે પાર્ટી છોડી હતી.
સુરેશ મહેતાના આ આરોપોને ભાજપ નેતા ભરત પંડ્યાએ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના મૂળિયાં વિકાસવાદી નીતિના કારણે મજબૂત બન્યાં છે.
સાયના એનસીએ પણ ભરત પંડ્યાની વાતને સમર્થન આપતા મહેતાના આરોપોને આધારહિન ગણાવ્યા છે.

ગુજરાતનો 'ગાંધીયુગ'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ભાજપે સિત્તેરના દાયકામાં જ પગ પેસારો શરૂ કરી દીધો હતો.
ઘણા રાજકીય વિશ્લેષકોને લાગે છે કે જ્યાં સુધી પ્રદેશમાં મહાત્મા ગાંધીનો પ્રભાવ રહ્યો ત્યાં સુધી ભાજપ નેપથ્યમાં રહી.
ગુજરાત યુનિવર્સિટીમાં સોશિઅલ સાઇન્સના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે, "ગુજરાતમાં ગાંધીનો પ્રભાવ દરેક વર્ગ પર જબરદસ્ત હતો. ગુજરાતની મહિલાઓ પર પણ ગાંધીનો પ્રભાવ હતો."
"અમદાવાદની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને તે જમાનામાં મૅન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. તેને ગાંધીએ સંગઠિત કરાવ્યું હતું. આ વાત વર્ષ 1920ની છે. ત્રણ વર્ષ બાદ તેને સો વર્ષ પુરાં થઈ જશે."
"ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠ બનાવી અને તેની ઉંમર પણ સો વર્ષ થઈ જશે. ઘણી સ્કૂલો બનાવી. ઘણા મહિલા સંગઠનો ઊભા કર્યાં."
"માટે જ્યારે સ્વતંત્રતા બાદ કોંગ્રેસની સરકાર આવી તો હિંદુત્વ અને સંઘ પરિવાર વાળી રાજનીતિ ગુજરાતીઓને પસંદ ન આવી."
ગાંધીવાદનો પ્રભાવ શિક્ષા, સાહિત્ય અને શાસન પ્રણાલીમાં હતો. તે સમયને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવતો હતો.
સાહિત્યને પણ ગાંધીયુગી સાહિત્ય તરીકે લોકો ઓળખતા.

ગુજરાતમાં સંઘનો પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
1960માં ગુજરાત એક અલગ રાજ્ય બન્યું હતું. તેની પહેલાં ગુજરાતનો સમાવેશ બૉમ્બેમાં થતો હતો.
ગુજરાતના ગઠનથી માંડીને કોંગ્રેસ પાર્ટીના સત્તામાં આવ્યા સુધી RSS કંઈ ન કરી શક્યું.
આખરે સંઘની રાજનીતિને આ રાજનીતિમાં જગ્યા ક્યારે મળી?
ગૌરાંગ જાની કહે છે, "ગુજરાતમાં અત્યાર સુધી નિયમિત સમયગાળા દરમિયાન તોફાન થયાં છે. એક વખત વર્ષ 1969માં તોફાન થયાં હતાં. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા."
"બીજી વખત 1985માં તોફાન થયાં હતાં. ત્રીજી વખત 1992માં અને ત્યારબાદ વર્ષ 2002માં. બીજી વાત એ છે કે બે અનામત વિરોધી આંદોલન થયાં. પહેલી વખત વર્ષ 1981માં અને બીજી વખત 1985માં."
"આ વચ્ચે નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ હતી. તેમાં વીસ વર્ષના યુવાનોઓ જબરદસ્ત પ્રદર્શન કર્યાં હતાં."
"1974નાં નવનિર્માણ આંદોલનને પણ અમદાવાદમાં બેથી ત્રણ જગ્યાએ સંઘ પરિવારે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે સફળતા મળી ન હતી."

ગાંધીથી જનસંઘ

ઇમેજ સ્રોત, Getty Images
ગૌરાંગ જાની કહે છે કે ગાંધીની વિચારધારાનું કોંગ્રેસે શરૂઆતમાં પાલન કર્યું હતું, પણ ગુજરાતના જે લોકો ગાંધીથી પ્રભાવિત હતા તેમની સવર્ણ માનસિકતા 1960 બાદ સામે આવી હતી.
ગુજરાતમાં બ્રાહ્મણ માત્ર એક ટકા છે અને ગુજરાતમાં તેઓ ભૂસ્વામી નથી. બીજા રાજ્યોમાં બ્રાહ્મણ ભૂસ્વામીના રૂપમાં છે.
ગુજરાતમાં બીજો પ્રભાવ જૈનોનો હતો અને તે આજે પણ છે.
જાની કહે છે, "તે જમાનામાં જૈનોની ઓળખ હિંદુથી અલગ ન હતી. ગુજરાતમાં ભદ્ર વર્ગોનાં વિચાર એક ટકા બ્રાહ્મણ અને જૈન લોકોનાં પ્રભાવમાં વિકસિત થયા."
"જૈન ગુજરાતમાં પાંચ ટકા પણ નથી. પરંતુ તેઓ આર્થિક રૂપે શક્તિશાળી પહેલા પણ હતા અને આજે પણ છે."
"અમદાવાદની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તેમના હાથમાં હતી. આજની તારીખમાં જૈન લોકોનો સાક્ષરતા દર 97 ટકા છે."
"પરંતુ તેમનું શિક્ષા જ્ઞાન પરંપરાનો ભાગ નથી. ગુજરાતમાં તો ગાંધી બાદ નૉલેજ ટ્રેડિશન સંપૂર્ણપણે ગુમ છે."
"અમે કહી શકીએ છીએ કે આ મામલે ગુજરાત ખૂબ ગરીબ છે."
એ રસપ્રદ છે કે ગુજરાતમાં જૈન સમાજની સાથે જ સ્વામીનારાયણ સમાજે પણ પગ પેસારો કર્યો છે.
ઘણાં લોકોનું માનવું છે કે ગુજરાતમાં બ્રાહ્મણ સંસ્કૃતિ નહીં પણ જૈન સંસ્કૃતિ ભારે પડી રહી છે.

પટેલોનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા લોકો વૈષ્ણવ પંથને માને છે.
જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ ગુજરાતમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો તો જૈન લોકોને આ વાત પસંદ ન આવી.
પ્રોફેસર જાની કહે છે કે સ્વામીનારાયણ સંપ્રદાયે સમાજમાં પછાત જાતિઓ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું.
પટેલ પણ બ્રાહ્મણ પરંપરાનો ભાગ ન હતા. સેન્ટર ફોર નૉલેજ એન્ડ એજ્યુકેશનના અચ્યુત યાજ્ઞિક કહે છે કે વર્ણવ્યવસ્થામાં પટેલોની ગણતરી પણ ચોથા વર્ણમાં થાય છે.
યાજ્ઞિક કહે છે કે તેવામાં પાટીદારો પણ સ્વામીનારાયણના સંપ્રદાય સાથે જોડાઈ ગયા.
પટેલોમાં એક કહેવત છે કે પટેલોના કોઈ પટેલ નથી હોતા.
તેનો મતલબ છે કે પટેલો પોતાની ઇચ્છા પ્રમાણે ચાલે છે. ઓગણીસમી સદીમાં પાટીદાર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાઈ ગયા અને તેઓ બ્રાહ્મણ પરંપરાથી અલગ થઈ ગયા.
તેની અસર ગુજરાતની રાજનીતિ પર શું પડી?
પ્રોફેસર જાની કહે છે, "સ્વામીનારાયણ સંપ્રદાયનો મત છે કે મહિલાઓને ન જૂઓ. મહિલાઓને મંદિરમાં ન પ્રવેશવા દો. ગુજરાત સાથે રસપ્રદ વાત એ છે કે બિન ગુજરાતી સંત અહીં ખૂબ સફળ સાબિત થયા છે."
"ગુજરાતના તો એક જ સંત હતા ગાંધી કે જેઓ આજે નિષ્ફળ છે. સ્વામીનારાયણ અને પાટીદારો વચ્ચે સંબંધ એટલો મજબૂત થયો કે પાટીદારોના હાથમાં જ સમગ્ર સંપ્રદાય આવી ગયો."
"ભાજપ માટે સ્વામીનારાયણ સંપ્રદાય ગાંધીને બહાર કાઢવા માટે ઢાળ સાબિત થયો."

અનામત વિરૂદ્ધ ઊંચી જાતિઓને કરી એકજૂથ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જ્યારે અનામતની શરૂઆત થઈ તો ઊંચી જાતિઓને લાગ્યું કે તે ઠીક નથી. લોકોને લાગ્યું કે કોંગ્રેસ અનામતને સમર્થન આપે છે.
જાની કહે છે કે 1981માં RSSએ અનામત વિરૂદ્ધ ઊંચી જાતિઓ સાથે મળીને લડત ચાલુ કરી.
જાની કહે છે, "તે સમયે અટલ બિહારી વાજપેયીથી માંડીને મોદી સુધીના લોકોના નિવેદન સાંભળી લો. તેમાં તેઓ ઊંચી જાતિઓને સંબોધિત કરી રહ્યા હતા."
"પાટીદારો પાસે પણ અનામત ન હતી તે કારણોસર તેમને પણ RSSની પહેલ પસંદ આવી હતી. કોંગ્રેસના ચિમનભાઈ પટેલની ઓળખ ભ્રષ્ટ મુખ્યમંત્રી તરીકે હતી."
"કોંગ્રેસે અનામતના મુદ્દાનો પણ સારી રીતે સામનો ન કર્યો. જેમ જેમ કોંગ્રેસે ગાંધીની વિરાસત છોડી તેમ તેમ ભાજપનું કદ વધતું ગયું."
ત્યારબાદ રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઈ અને કોંગ્રેસ તેને પણ સારી રીતે સંભાળી ન શકી.
ત્યારબાદ વર્ષ 2002માં તોફાન થયા અને બહુસંખ્યક સમુદાયનું ધ્રુવીકરણ શરૂ થયું.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર જાની કહે છે કે વર્ષ 2002ના તોફાન બાદ યુનિવર્સિટીમાં એક પણ સેમિનારનું આયોજન કરાયું ન હતું.
ગુજરાતમાં વર્ષ 2002ના તોફાનનો ન તો સ્વામીનારાયણ સંપ્રદાયે વિરોધ કર્યો ન મોરારી બાપુ જેવા લોકોએ.
રસપ્રદ વાત એ છે કે ચૂંટણીમાં હંમેશા ભાજપની શક્તિ સાબિત થયેલા પાટીદાર આ વખતે નારાજ છે અને મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિક પટેલનો સાથ આપી રહ્યા છે.
તેમને હવે કોંગ્રેસ પસંદ આવી રહી છે.
રાજકારણમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવી અને તેમાંથી પારોઠનાં પગલાં ભરવાનું કામ લગભગ આ પ્રકારે જ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













