બેશુમાર આંદોલનોએ રાજકારણીઓને જ્ઞાતિવાદનું ગૂંચળું બનાવવા મજબૂર કર્યા!

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય તાસીર બદલાઈ રહી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ હોય એટલે માર્ચ મહીના સુધી સરકારી કર્મચારીઓના આંદોલનો ચાલે, પછી એપ્રિલથી જૂન સુધી જ્ઞાતિવાર સંગઠનો સમસ્યાઓ લઈને બહાર આવે.
આ બધું જ ચૂંટણીના વર્ષમાં હોય એટલે ચૂંટણીની શરૂઆતમાં બધું આટોપાઈ જાય.
ચૂંટણીના વર્ષમાં વરસાદ નિર્ણાયક બને. વરસાદ વધુ પડે તો સરકારની કામગીરી પર અસર થાય અને ઓછો પડે તો સરકારી કામગીરી કેવી રહી તેની અસર પડે.
પછી નવરાત્રિ અને દીવાળી સુધીમાં લોકો મન બનાવે અને ચૂંટણીની તૈયારીઓ શરૂ થાય. પણ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે વર્ષ પહેલાથી ચેસ નહીં પણ બિલિયર્ડની રમત રમાઈ રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGE
ચેસમાં પહેલાથી હરીફની ત્રીજી ચાલની ખબર પડે અને તમે ચોકઠાં ગોઠવો.
પણ આ ચૂંટણીમાં આંદોલનકારીઓ બિલિયર્ડની રમત રમે છે. લાલ બોલને સ્ટ્રોક મારે લીલાને અથડાય, સફેદ બોલ અંદર જાય અને પોઇન્ટ મળે પણ સફેદ બોલને ખબર ન હોય કે ક્યાંથી ટપલી વાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવો જ ઘાટ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રચાયો છે.
ચૂંટણીના બે વર્ષ પહેલાથી શરૂ થયેલા દલિત, ઓબીસી અને પટેલ આંદોલનોએ રાજકીય કોકડું એવું તો ગૂંચવી નાંખ્યું છે કે, એની ગૂચ્ચમ હજુ પણ ઉકેલાતી નથી.
લાંબી કવાયતો પછી ઉમેદવારો નક્કી કરવા નો રીપિટ થિયરી, કાસ્ટ થિયરી અને વિનિંગ થિયરીનું નવું પોલિટિકલ કોકટેલ, સોરી અહીં દારૂબંધી હોવાથી નવું મોકટેલ બની રહ્યું છે.
ગુજરાત વિધાનસભાનું ગણિત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીને સમજવા માટે આપણે રાજકીય ગણિતોને સમજવાની કોશિશ કરીએ.
ગુજરાતમાં 1960થી જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે સત્તા પલટાઇ છે. 1960માં ગુજરાતની રચના પછી 1962માં પહેલી ચૂંટણીમાં 57.97 ટકા મતદાન થયું હતું.
1967માં 63.70 ટકા મતદાન થયું હતું અને કોંગ્રેસ સત્તા પર આવી હતી. 1972માં મતદાન ઘટ્યું અને 58.11 ટકા થયું પણ કોંગ્રેસ રહી.
ત્યારબાદ 1975માં 60.37 ટકા મતદાન થયું અને પહેલી વાર કોંગ્રેસ સિવાયની જનતા મોરચા સરકાર બની.
1980માં 48.37 ટકા અને 1985માં 48.82 ટકા મતદાન થયું અને કોંગ્રેસની સરકાર આવી.
આ ચૂંટણી એટલા માટે યાદ રખાય છે કે જ્ઞાતિવાદની ખામ (KHAM ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીથી 1985માં 149 સીટ સાથે કોંગ્રેસ સત્તામાં આવી તે રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી.
એ પછી ભાજપ અને કોંગ્રેસ ભેગા મળીને 1990માં ચૂંટણી લડ્યા ત્યારે ચાર ટકા વધારે એટલે કે 52.23 ટકા વોટિંગ થયું અને કોંગ્રેસનો ગરબો ઘરે આવ્યો હતો.
ચીમનભાઇ પટેલનો ચહેરો ભ્રષ્ટાચારી દેખાયો તો 1995માં ભાજપની કેશુભાઈની સરકાર બની.
એમાં 64.39 ટકા વોટિંગ થયું હતું અને કોંગ્રેસની ખામ થિયરી સામે ભાજપની ફાક થિયરી કામ કરી ગઈ હતી.

મોદીએ ગુજરાતને આવજો કહ્યું અને...

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન શંકરસિંહનો ખજૂરાહો કાંડ અને શંકરસિંહની ખરડાયેલી ઇમેજ ઉપરાંત 1991 અને શંકરસિંહને 1996માં ટેકો આપવાના કારણે કોંગ્રેસની છાપ ટેકા પાર્ટીની બની ગઈ હતી.
59.30 ટકા વોટિંગ થયું તો પણ સરકાર ભાજપની બની હતી. 2002માં વોટિંગ વધ્યું અને આંકડો 61.55 ટકાએ પહોંચ્યો.
પણ ભાજપે 127 બેઠકો પર જીત મેળવી. 2007ની ચૂંટણીમાં ફરી વોટિંગ ઘટ્યું અને 59.77 ટકા થયું પણ સત્તા ભાજપની આવી.
સેફોલોજીના ગણિત પ્રમાણે વોટિંગ વધે તો સત્તા જાય, પણ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 2012માં 72.02 ટકા વોટિંગ થયું અને ફરી ભાજપ સરકાર આવી.
2014માં નરેન્દ્ર મોદી 'આવજો...' કહીને દિલ્હી ગયા અને ગુજરાતમાં ગોબાચારી શરૂ થઈ ગઈ.

આંદોલનથી લૂંટાયો આનંદીબેનની સત્તાનો 'આનંદ'

ઇમેજ સ્રોત, Getty Images
2015ની શરૂઆતથી આંદોલનો શરૂ થયા. એકબાજુ પટેલ આંદોલનનો ઉકેલ આવતો ન હતો ત્યાં સુધીમાં ઉનાના દલિત કાંડે આગ પકડી લીધી અને આ આગ શમે ન શમે ત્યાં ઓબીસી નેતાઓ પોતાના સમુદાયની માગણીઓ સાથે ઊભરવા લાગ્યા.
આ આંદોલનોની ઝાળ આનંદીબેનની ખુરશી નીચે એવી તો લાગી કે, આનંદીબેનનો સત્તાનો આનંદ લૂંટાઈ ગયો અને ખુરશીના પાયા હલી ગયા.
મુખ્યમંત્રી પદેથી ઘરે જવું પડ્યું, પરંતુ હજુ યે આંદોલનોની આગ બુઝાવાનું નામ લેતી નથી.
આ આંદોલનોમાંથી ત્રણ નવા નેતા બહાર આવ્યા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર.

નેતાઓને દેખાયું ધોળા દિવસે બ્રહ્માંડ!

આ ત્રણેય યુવા નેતાઓએ જ્ઞાતિવાદ અને મસલ પાવર પર લડતા રાજકીય નેતાઓને ધોળા દિવસે તારા જ નહીં આખું ય બ્રહ્માંડ દેખાડી દીધું, જેના કારણે આ વખતે જ્ઞાતિવાદનું ગૂંચળું વિચિત્ર રીતે અટવાયું છે.
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને સેફૉલોજિસ્ટ ડૉ. આઈ. એમ. ખાન આ વખતની ચૂંટણીને બહુ જુદી રીતે જૂએ છે.
ડૉ. ખાનના કહેવા પ્રમાણે, છેલ્લા બાવીસ વર્ષમાં પટેલો ભાજપ સાથે રહ્યાં છે એટલે ભાજપને પટેલ વોટ બેન્કના આધારે ચૂંટણી જીતવી સહેલી રહી છે.
પણ મતોની ટકાવારીના આધારે 47 ટકાથી 49 ટકા વચ્ચે રહી છે, જ્યારે કોંગ્રેસે પોતાની વોટબેન્ક જાળવી રાખી છે. કોંગ્રેસના 38 ટકાથી 39 ટકા વોટ રહે છે.
પરંતુ 2012માં ગુજરાતમાં સૌથી વિક્રમજનક 72 ટકા વોટિંગ થયું, ત્યારે પણ વીનિંગ કેન્ડિડેટમાંથી મોટા ભાગના ઉમેદવારો 42 ટકાથી વધારે વોટ લાવ્યા છે, એ જ જીત્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
એટલે આ ચૂંટણીમાં પટેલોની નારાજગી ભાજપ માટે સો ટકા ચિંતાનો વિષય છે. તો ઓબીસી અને દલિતોની નારાજગી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.
એટલે જ આ વખતે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભલે કોંગ્રેસના સૂપડાં સાફ કર્યા હોય, પણ 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો છે.
તેના કારણે આ વખતનું ઇલેક્શન પટેલ કેન્દ્રિત બની ગયું છે. એનું મોટું ઉદાહરણ પહેલા તબક્કાની ચૂંટણીઓમાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં ગૂંચવાયેલું જ્ઞાતિવાદનું કોકડું છે.
ડૉ. આઈ. એમ. ખાન કહે છે કે, આ વખતે પહેલા તબક્કાની 89 બેઠકોમાં ભાજપે 31 પટેલોને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે 27 પટેલોને ટિકિટ આપી છે.
ડૉ. આઇ. એમ. ખાનની વાત અહીં એટલે મહત્ત્વની થઇ જાય છે કે ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ઓબીસીમાં આવતા કોળી પટેલોનું મહત્ત્વ વધારે છે.
ત્યારે કોંગ્રસે પોતાના ઓબીસી ક્વોટામાંથી નવ કોળી પટેલ અને ભાજપે 12 કોળી પટેલને ટિકિટ આપી છે.

ઓબીસી વોટ બેન્કનું કોકટેલ

ઇમેજ સ્રોત, Getty Images
આ બતાવે છે કે પટેલની સાથે સાથે ઓબીસી વોટ બેન્કનું કોકટેલ આ ચૂંટણીમાં જીતનું નવું સમીકરણ બની રહ્યું છે.
ડૉ. આઇ. એમ. ખાનના મતે, એસસી અને એસટીની 40 સીટ અત્યંત મહત્વની છે.
કોંગ્રેસની એ પરંપરાગત વોટ બેન્કમાં ભાજપે છેલ્લા કેટલાક સમયથી ગાબડું તો પાડ્યું જ છે, પરંતુ બંને જણાએ પ્રથમ તબક્કામાં આવતી એસટીની 14 સીટ પર અને એસસીની આઠ સીટ પર ઉમેદવારો મૂક્યા છે.
પણ એન્ટિ-ઇન્કમ્બન્સી અને દલિત આંદોલનના કારણે એસસીના ચાર ઉમેદવારો બદલવા પડ્યા છે. આવું જ એસટીની સીટમાં કર્યું છે. અહીં પણ ઉમેદાવારો બદલ્યા છે.
પોતાની ઉજળિયાત પાર્ટીની છાપ જાળવવા ત્રણ બ્રાહ્મણ, બે જૈન અને સોળ ક્ષત્રિયને ટિકિટ આપી છે. તો વળી કોંગ્રેસે પણ ઇમેજ બદલવા બે બ્રાહ્મણ અને એક જૈન અને છ ક્ષત્રિયને ટિકિટ આપી છે.
પરંતુ સોફ્ટ હિન્દુત્વ તરફ વળેલા કોંગ્રેસે પહેલા ચરણ માટે ચાર મુસ્લિમને ટિકિટ આપી છે. આમ, જ્ઞાતિવાદના નવા સમીકરણો રચાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તો જાણીતા સેફોલિજિસ્ટ ડૉ. મહેશ ચૌહાણ કહે છે કે, ભાજપ અને કોંગ્રેસે ભલે પોતાની ચૂંટણીની ચોપાટમાં જ્ઞાતિવાર કૂકરીઓ ગોઠવી હોય પણ ગુજરાતમાં કોંગ્રેસ નવા ગણિત સાથે ચાલી રહ્યું છે.
કોંગ્રેસને દેખાય છે કે, ગુજરાતમાં પટેલો હવે માત્ર ખેતી પર આધારિત નથી રહ્યા.
ધીમેધીમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય નાના-મોટા વેપારમાં આવ્યા છે, અને પરંપરાગત ખેતી તો છે જ છે.
એમાં એમને નોટબંધી અને જીએસટીથી ઊભી થયેલી સમસ્યા નડી છે. એમની આળી થયેલી લાગણીનો લાભ લેવા કોંગ્રેસ પહેલી વખત સોફ્ટ હિંદુત્વ સાથે પટેલ કેન્દ્રિત થઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પટેલ કેન્દ્રિત થયેલી કોંગ્રેસની પરંપરાગત એસસી અને એસટી વોટ બેન્ક પહેલેથી જ ગરીબ છે. એને એની કોઈ અસર પડી નથી.
પણ પટેલ અનામતની વાત ક્યાંક કોંગ્રેસ માટે પટેલ કેન્દ્રિત થવાનું મુશ્કેલ બનાવી શકે છે, ત્યારે જીએસટી અને નોટબંધીનું ફેક્ટર ક્યાં કેટલું અસર કરશે તે કહેવું મુશ્કેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ચૂંટણી વિશે સેફોલોજિસ્ટ ભલે આમ માનતા હોય, પણ ગુજરાતમાં 4.33 કરોડ મતદાતામાંથી પહેલા તબક્કામાં 89 બેઠકો માટે થનારા વોટિંગમાં 2.11 કરોડ મતદારોનો વોટર ટર્ન આઉટ મતદાતાનો મૂડ ચોક્કસ બતાવી આપશે.
કારણ કે, આ વખતે ઇલેક્શન કમિશન પણ માને છે કે, ગત ચૂંટણીની માફક આ વખતે પણ મતદાન વધશે, એટલે 2012 કરતાં આ વખતે પોલિંગ સ્ટેશન પણ 12.44 ટકા જેટલા વધાર્યા છે.
પરંતુ આંદોલનો પછી જે પ્રકારે જ્ઞાતિના આધારે ગુજરાતનું રાજકારણ વધુ પડતું જ્ઞાતિ કેન્દ્રિત થયું છે.
અત્યારે રાજકીય નેતાઓ આ ચૂંટણી જંગમાં જે રીતે 'એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉર'ની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે એ જોતા ઉર્દૂ કવિ સઇદ રાહીનો શેર ટાંકવાનું મન થાય કે,
हर बात गवारा कर लोगे मन्नत भी उतारा कर लोग
तावीज़ें भी बँधवाओगे जब इश्क़ तुम्हें हो जायेगा
એને બદલીને ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં અહીં મૂકવાનું મન થાય કે...
હર બાત ગવારા કર લોગે, મન્નત ભી ઉતારા કર લોગ
તાવીજે ભી બંધવાઓગે જબ ચુનાવ કા બુખાર તુમ્હે ચઢ જાયેગા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












