ગુજરાતમાં આ વખતે બીજેપીનું શું થશે?

ઇમેજ સ્રોત, Indranil mukharjee/afp/getty images
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે ચૂંટણીપ્રચારમાં જોડાયા છે અને એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધવાનું શરૂ કર્યું છે.
એ માટે તેમની ટીકા કરવામાં આવી રહી છે.ચૂંટણીને કારણે સંસદના શિયાળુ સત્રના પ્રારંભમાં વિલંબ થતો હોવાના આક્ષેપો પણ થયા છે.
નરેન્દ્ર મોદીની ભાષા અને ભાષણ વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ તેમની પહેલી રેલીમાં પોતાના ગરીબીમય ભૂતકાળની વાત કરી હતી. બીજી રેલીમાં તેમણે ખુદને ગુજરાતના દીકરા પણ ગણાવ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
નરેન્દ્ર મોદી એક દાયકાથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ચૂંટણીમાં તેમણે વધારે મહેનત કરવી પડે છે?
આ સંબંધે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ તેમને સવાલ કર્યો હતો કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહેલી ભાજપને આ વખતે બહુમતી મળવા બાબતે શંકા છે?
આર. કે. મિશ્રાએ કરેલું વિશ્લેષણ તેમના શબ્દોમાં વાંચો.

ગરીબી હુકમનો એક્કો
ગરીબી નરેન્દ્ર મોદી માટે હુકમનો એક્કો હતી. હું એમ ધારતો હતો કે એ મુદ્દાનો ઉપયોગ નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના છેલ્લા 72 કલાકમાં કરશે.
તેઓ અપીલ કરશે કે 'હું એક ચા વાળો હતો. તમે મને અહીં સુધી પહોંચાડ્યો. તમે જ મને મુખ્યમંત્રી બનાવ્યો, વડાપ્રધાન બનાવ્યો. હવે તમારી ઇજ્જતનો સવાલ છે.'
જોકે, તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત જ આ મુદ્દાથી કરી છે. એ દર્શાવે છે કે ભાજપમાં એક પ્રકારનો ખળભળાટ ચોક્કસ છે.
આ વખતે કોંગ્રેસને અને ખાસ કરીને રાહુલ ગાંધીને સારો પ્રતિભાવ મળ્યો છે.
ભાજપે પાછલા છ મહિનામાં જે અભિયાન ચલાવ્યાં હતાં તેમને અપેક્ષા મુજબનો પ્રતિભાવ મળ્યો નથી. તેથી મને લાગે છે કે, આગામી દિવસોમાં આક્રમકતા વધશે.

હકીકત અને વાર્તા

વડાપ્રધાને તેમના પદની ગરિમા અને ગંભીરતાનો ખ્યાલ રાખવો જોઈએ. તેમણે તથ્યો સાથે છેડછાડ ન કરવી જોઈએ.
વડાપ્રધાન કોઈ વાત કરે ત્યારે એ ગંભીર બની જાય છે, પણ અત્યારે હકીકત સાથે કલ્પનાની ભેળસેળ કરવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદી ઇતિહાસને પોતાની અનુકૂળતા મુજબ રજૂ કરી રહ્યા છે.
કેશુભાઈ પટેલને શંકરસિંહ વાઘેલાએ હટાવ્યા હતા અને સમાધાન થયું, ત્યારે શંકરસિંહે શરત મૂકેલી કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી હટાવવામાં આવે.
ચીમનભાઈ પટેલને હટાવવાની ઝુંબેશમાં જનસંઘની મોટી ભૂમિકા હતી.
નરેન્દ્ર મોદી ખોટું બોલી રહ્યા છે એવું હું નહીં કહું, પણ તેઓ ઇતિહાસની ખોટી વ્યાખ્યા કરી રહ્યા છે, ખોટો વળાંક આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદી ગરીબીને ચંદ્રકની માફક ધારણ કરીને બાકીના નેતાઓને ખોટા ગણાવી રહ્યા છે. લાલબહાદુર શાસ્ત્રી પૈસાદાર હતા? ગુજરાતના કોંગ્રેસી નેતાઓ ગુજરાતના પુત્ર નથી?

ભાષાનો અભૂતપૂર્વ ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ભાષાનો વિવેક હંમેશા જળવાઈ રહ્યો છે. વડાપ્રધાનની ભાષાનું સ્તર તો એકદમ અલગ હોય, પણ મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓએ ભાષામાં વિવેક હંમેશા જાળવી રાખ્યો હતો.
ગુજરાતના પાછલા 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રકારનું રાજકારણ કે આવા મુદ્દાઓ મને જોવા મળ્યા નથી.
આ હલકા પ્રકારનું રાજકારણ છે. માત્ર ભાજપ રાષ્ટ્રવાદી છે અને બાકીના પક્ષો રાષ્ટ્રવિરોધી છે, એવું દર્શાવવામાં આવી રહ્યું છે. આ કેવા પ્રકારનું રાજકારણ છે?
આ વખતે ચૂંટણી જાહેરને બદલે વ્યક્તિગત મુદ્દાઓ પર લડવામાં આવી રહી છે. રાજકીય ચર્ચાની ગંભીરતાને ખતમ કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી મંદિરમાં દર્શન કરવા જાય, તેની ભાજપ ટીકા કરે છે, પણ પોતાના પ્રચાર માટે તેઓ મૌલવીઓને લાવી રહ્યા છે.

મોદી એકલાએ જ નથી કર્યો વિકાસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના વિકાસનું શ્રેય નરેન્દ્ર મોદી એકલા ન લઈ શકે. ગુજરાતની પ્રગતિ ગુજરાતીઓને કારણે થઈ છે. ગુજરાતની દરેક સરકારે રાજ્યને આગળ વધારવા મહેનત કરી છે.
ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં વિકાસના પ્રકલ્પો હાથ ધરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા.
બહુ પબ્લિસિટી મેળવી, ગ્લોબલ સમિટ થઈ, પણ ગુજરાતના સતત થયેલા વિકાસમાં બધાનું યોગદાન છે.
પાંચ વર્ષમાં 50 લાખ ઘરના નિર્માણની વાત નરેન્દ્ર મોદીએ ગઈ ચૂંટણીમાં કરી હતી. તેમને પૂછો કે ત્રણ લાખ ઘર પણ બન્યાં છે ખરાં? કુપોષણમાં ગુજરાત બધાથી આગળ છે.

ત્રણ ચૂંટણી ગઈ, મેટ્રો ન આવી

ઇમેજ સ્રોત, Twitter/narendramodi
ભાજપ પાસે નરેન્દ્ર મોદી સિવાય દેખાડવા જેવું બીજું કંઈ નથી. અમદાવાદમાં મેટ્રો શરૂ કરવાના મુદ્દે 2001માં નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા. આજે 2017નું વર્ષ છે.
મેટ્રો હજુ શરૂ નથી થઈ, પણ મેટ્રોના નામે તેમણે કમ સે કમ ત્રણ ચૂંટણી જીતી હતી.
ભાજપ પાસે નક્કર હકીકત નથી એટલે બીજા બધા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં 20 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં રાજ્યમાં કેનાલ નેટવર્ક તૈયાર થયું નથી. એ માટે ભાજપ કોને દોષ આપશે?
બેરોજગારી વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરોડોના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી, પણ ખાસ કશું થયું નથી.
કોલેજોમાં એમબીએની અડધાથી વધારે સીટો ખાલી પડી છે. ભણેલાં છોકરાંઓ પાંચ-સાત હજારના પગારની નોકરી શોધી રહ્યા છે.

અસંતોષની ઉપજ છે હાર્દિક અને જિજ્ઞેશ

ઇમેજ સ્રોત, Twitter@hardikpatel
ગુજરાતમાં બેરોજગારી સતત વધી રહી છે. હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પૈસાદાર હોવાને કારણે નેતા નથી બન્યા.
ગુજરાતમાં હેરાન થતા લોકોનો ટેકો મળવાને લીધે તેઓ નેતા બન્યા છે. એ ત્રણેય ભાજપ સામે ઉભા થયા છે અને તેથી ભાજપ ખળભળી ઉઠી છે.
જે પક્ષ ગુજરાતમાં છેલ્લે 1985માં ચૂંટણી જીત્યો હતો તેમાં ભાજપ ખામી શોધી રહ્યું છે, ત્યારે ભાજપે એ જણાવવું જોઇએ કે તેણે અત્યાર સુધીમાં શું કર્યું?

ગ્રામીણ ગુજરાતમાં ભાજપેગુમાવ્યો જનાધાર
ગ્રામીણ ગુજરાતમાં ભાજપ તેનો પ્રભાવ ગુમાવી ચૂક્યો છે, એટલે શહેરી વિસ્તારો પર જ ધ્યાન આપી રહ્યું છે. વધુ વિકાસ પણ શહેરી વિસ્તારમાં જ થયો છે.
ભાજપ ગુજરાતમાં હાલ વિરોધ પક્ષની વોટ બેન્કને તોડવા પર અને શહેરી મતદારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.''
(બીબીસીના સંવાદદાતા પ્રજ્ઞા માનવે આર. કે. મિશ્રા સાથે કરેલી વાતચીતને આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













